સમેતશિખર તીર્થમાં અદ્વિતીય જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા


                                                    સમેતશિખર તીર્થમાં અદ્વિતીય જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા

- સરોવર મધ્યે નયનરમ્ય અને ચક્ષુર્ગમ્ય જિનાલયની કલાકૃતિ અદ્ભુત અભૂતપૂર્વ ૧,૧૦,૬૦૦ સ્કવેર ફૂટમાં સંગેમરમરના શ્વેત મકરાણા પાષાણથી બાંધકામ
- વિશ્વમાં પ્રથમ નંબરે કહી શકાય તેવા આ વાયોલીન આકારના જિનાલયમાં તા. ૨૪-૧-થી ૪-૨ સુધી મહોત્સવ ઉજવાશે
- જૈનાચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રોક્ત માર્ગદર્શન તળે સોમપુરાના શિલ્પના આધારે જિનાલયનું નિર્માણ
ઝારખંડના સમેતશિખર તીર્થ ખાતે દેશના પ્રથમ કક્ષાના કહી શકાય તેવા વિશાળકાય જિનાલયનું ત્રણ વર્ષની સતત અને સખત મહેનતના અંતે નિર્માણ કરાયું છે. ૧,૧૦,૬૦૦ સ્કવેર ફૂટમાં સંગેમરમરના પત્થરમાં અદ્ભુત અને અભૂતપૂર્વ કલાકૃતિ સાથે જિનાલય સાધકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે. આ જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૪ જાન્યુ.થી તા. ૪ ફેબ્રુ. સુધીમાં ધર્મસભર વાતાવરણ વચ્ચે સંપન્ન થશે જેમાં દેશ- દુનિયાના સંખ્યાબંધ ધર્મશ્રદ્ધાળુઓ સામેલ થશે.
આ અંગે તીર્થની માહિતી આપતા જૈનાચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી ૪૦૦ વર્ષ પૂર્વે મોગલ બાદશાહ અકબરે તપાગચ્છની ગાદી શોભાવનારા પ્રભાવશાળી શ્રીમદ્ આચાર્ય હીરવિજય સૂરીશ્વરજી મહારાજાને અનેક તીર્થો અને પહાડો ભેટરૃપે આપ્યા હતા. તેમાં સમેતશિખર તીર્થ પહાડનો પણ સમાવેશ થતો હતો. મૂળ જૈનો- શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની માલિકી-સ્વાયત્તતા અને તાબાનું આ મહાતીર્થ કાળક્રમે જોખમમાં આવ્યું હોવાના કારણે તીર્થની આરાધના અકબંધ રહે અને સુરક્ષા જયવંત રહે તે વાતને કેન્દ્રમાં રાખી તળેટી તીર્થનું નવનિર્માણ વ્યાપક પાયારૃપ હાથ ધરાયું. જેના એક ભાગરૃપે અદ્વિતીય જિનાલયનું નિર્માણ કાર્ય સંપન્ન કરાયું છે.
સાથો સાથ ટ્રસ્ટના ટ્રસ્ટીવર્ય શ્રી છબીલભાઈ ઘોટીવાળાએ જણાવ્યું છે કે, ૩૦ હજાર સ્કવેર ફૂટ જગ્યામાં ભવ્યાતિભવ્ય મુખ્ય જિનાલય ઉભરી આવ્યું છે જેમાં ૧,૧૦,૬૦૦ ઘન ફૂટ જેટલો સંગેમરમરી સફેદ પત્થર વપરાયો છે. જેની કિંમત આશરે રૃા. પચ્ચીસ કરોડથી વધુ થઈ જાય. આ રકમ દેશભરના જૈન શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે દાન વહેવડાવી ધર્મ પ્રત્યેની પોતાની શ્રદ્ધા બળવત્તર બતાવી સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણનો સંતોષ પ્રાપ્ત કર્યો છે.
મંદિરની કલાકૃતિ સંદર્ભે માહિતી આપતા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હિમાંશુ રાજાએ કહ્યું કે, જમીનથી ૧૭ ફૂટની ઉંચાઈ પર ૩૦ હજાર સ્કવેર ફૂટમાં મુખ્ય જિનાલયનું નિર્માણ કરાયું હોવાના કારણે ચારે દિશામાં પુલનું નિર્માણ કરાયું છે. સરોવરમાં વિવિધ ફૂવારા પણ રચાશે. મંદિરમાં ૨૯૮૯ સ્કવેર ફૂટનો નૃત્ય મંડપ તૈયાર કરાયો છે.
તેમજ શિલ્પ સ્થાપત્ય કળાથી છલોછલ અને શાસ્ત્રોક્ત રીતે બનાવાયેલા ૩૦ સ્તંભ અને ૨૩ તોરણો શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ચાર ગુંબજ મંદિરો જાણે શિલ્પનો નજારો રચાયો હોય તેવા શોભી ઉઠશે. ચોતરફના ૨૪ જિનાલયોના પ્રભુ નયન મનોહર બન્યા છે જે આનંદ અર્પશે.
૨૪મી જાન્યુઆરીથી શરૃ થયેલા આ મહોત્સવમાં આજે તા. ૨૯મીએ જન્મ કલ્યાણક, તા. ૧ ફેબ્રુઆરીના રોજ દીક્ષા કલ્યાણક તથા અંજન વિધાન, તા. ૨ના નવનિર્મિત ધર્મશાળાનું ઉદ્ઘાટન તા. ૩જી ફેબ્રુઆરીએ ભવ્યત્તમ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. તા. ૬ને દિને જય તળેટીનું ભૂમિપૂજન અને તા. ૮ને દિને શિલા સ્થાપન કરવામાં આવશે.
આ જિનાલયનું અનેરું અદકેરું મહત્ત્વ સમજાવતા વધુમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ૨૪ શિખરબદ્ધ જિનાલય, શ્રી ઋષભદેવજી, શાંતિનાથજી, નેમિનાથજી અને મહાવીર સ્વામીજીના પરિકરયુક્ત ૪ ગુંબજ મંદિરો સાથે મુખ્ય જિનાલય, શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુનું જે નિર્માણ કરાયું છે. તે એકીસાથે શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ નિહાળવાનું સ્થળ ભારતમાં પ્રથમ બની રહેશે. જેમાં પરિકરયુક્તની પ્રતિમા ૬૩'' ઇંચની પ્રતિમા બિરાજીત થશે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

श्रमण संघीय साधु साध्वियों की चातुर्मास सूची वर्ष 2024

पर्युषण महापर्व के प्रथम पांच कर्तव्य।

तपोवन विद्यालय की हिमांशी दुग्गर प्रथम